કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી! સુરતમાં હડકાયાં કુતરાએ પરિવારની ‘ખુશી’ છીનવી… દીકરીની યાદમાં પરિવારનું હૈયાફાટ રુદન

શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર બાદ શ્વાનનો પણ ભારે આંતક જોવા મળી રહ્યો છે. આવી અનેક ઘટનાઓ પહેલા પણ સામે આવી ચુકી છે. હજુ થોડા દિવસ પહેલા જ ખજોદમાં ત્રણ શ્વાન દ્વારા કરાયેલા હુમલામાં માસૂમ બાળકીનું મોત થયું હતું. ત્યારે 6 મહિના પહેલા શ્વાનની લાળના કારણે સંપર્કમાં આવેલા સાડા પાંચ વર્ષની માસૂમ બાળકીને હડકવાના લક્ષણો દેખાયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

હડકાયા શ્વાનની લાળથી સંપર્કમાં આવતા મોત:

ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો, જૈનીશ ફોટોગ્રાફર પોતાના પરિવાર સાથે રાંદેર પાલનપુર જકાતનાકા સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહે છે. ત્યારે છ મહિના પહેલા જૈનીશ પોતાની દીકરીને લઈને ચાલતા નીકળ્યા હતા. આ દરમિયાન એકાએક શ્વાન દોડી આવતા બાળકી ગભરાઈને નીચે પડી ગઈ હતી. જોકે શ્વાને માસૂમ ખુશીને બચકા ભર્યા ન હતા. પરંતુ તેની લાળ લાગતા સંપર્કમાં આવ્યા હતા.

ત્રણેક દિવસથી બાળકીની તબિયત લથડી:

જેને પગલે બાળકીના પિતા દ્વારા બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ શ્વાને બચકું ભર્યું ન હોવાથી ડોકટરે ધનુરનું ઈન્જેકશન આપ્યું હતું. આ પછી તેણે સારું હતું. પરંતુ એકાએક છેલ્લા ત્રણેક દિવસથી બાળકીના હડકવાના ચિન્હો દેખાવા લાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં બાળકી ખુશીનું દરમ્યાન મોત સારવાર નીપજ્યું હતું.

છેલ્લા થોડા દિવસોથી આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. જે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. રખડતા શ્વાનના આંતકના કારણે નાના બાળકોનું સોસાયટીમાં રમવું પણ ભયજનક બની રહ્યું છે. સુરતમાં હડકાયેલા શ્વાનો સતત ફરતા રહે છે. ઘણી વખત ખસીકરણ થઈ ગયા બાદ જે તે વિસ્તારમાં શ્વાનોને ફરીથી છોડી દેવામાં આવે છે. હડકાયેલા શ્વાન કોઈના પણ સામે જોખમ ઊભું કરી શકે છે.