મોબાઇલમાં કાર્ટૂન જોતા જોતા ચોથા માળેથી નીચે પડ્યું બાળક, જોઈને તમને પણ લાગશે દુઃખ…

માતા પિતા માટે એક ચોકાવનારી ઘટના સુરતમાં બની છે જ્યાં માત્ર બે વર્ષનું બાળક બારીમાંથી નીચે પડી જતાં મૃત્યુ પામ્યું હતું. પણ આ બાળક બારીમાંથી કઈ રીતે નીચે પડ્યો તે જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો. આ બાળક મોબાઇલમાં કાર્ટૂન જોતો હતો ત્યારે ચોથા માળની બારીમાંથી નીચે પડી જતાં મોતને ભેટયું હતું. જોકે કંપારી છૂટે એવી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મોબાઈલનાં કારણે માતા-પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો હતો.

આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. જ્યાં મોબાઇલમાં કાર્ટુન જોતા માત્ર 2 વર્ષના બાળકનું ચોથા માળેથી પટકાતા કરૂણ મોત નિપજયું હતું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરમાં રહેતા વસીમ અન્સારી પોતે ટાઈલ્સ ફોલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને વારીસ નામનો એકનો એક દીકરો છે.

વીતેલા શનિવારના રોજ વસીમ સવારે નોકરી પર ગયો હતો. માએ દીકરા સાથે બપોરે ભોજન કરી દરવાજો બંધ કર્યા પછી દીકરાને મોબાઇલમાં કાર્ટુન જોવા આપ્યો હતો. અને પોતે વોશરૂમ ગઈ હતી. પરત ફર્યા બાદ બાળક રૂમમાં ન દેખાતા તે સ્તબ્ધ થઈ ગઇ હતી અને આસપાસ શોધખોળ શરૂ કરી હતી.જો કે તેણે બારીમાંથી નીચે જોતા લોકોની ભીડ એકઠી થયેલી જોઈ હતી. જે જોઈને તે તરત જ નીચે દોડી આવી હતી. જ્યાં લોકોએ તેને કહ્યું કે એક બાળક નીચે પડી ગયું છે. તેને હોસ્પિટલ લઈ જવાયો છે. આ સાંભળીને મહિલા ત્યાં જ બેભાન થઇ ગઇ હતી.

ચોથા માળેથી પડી ગયા બાદ ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 55 કલાક તેની સારવાર ચાલી હતી. તેમ છતાં તેને બચાવી શકાયો નહીં. આ હદય કંપાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને જોઈ લોકોનું હૃદય પણ કાપી ઊઠે. સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે એક બાળક અચાનક જમીન પર પડ્યું અને પાસે ઉભેલા એક યુવકે તેને તરત જ ઊંચકી લીધું. પછી મહોલ્લાનાં લોકો દોડી આવ્યા હતા અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.