આપણાં દેશની અંદર ઘણા બધા રજવાડા થઈ ગયા અને આજે પણ દેશમાં તેમનો વંશ વેલો આગળ ધપી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઘણાં રાજવી પરિવારો આજે પણ હયાત છે. એમના જ એક ભાવનગરના રાજવી પરિવાર સાથે એક એવી ઘટના બની જેને હવે ઇતિહાસ સાથે જોડવામાં આવી રહી છે અને લોકોમાં પણ આ ઘટનાને લઈને મોટું કુતુહલ સર્જાયેલું જોવા મળ્યું હતું.
આ ઘટનામાં બન્યું હતું એવું કે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહ ભાવનગર શહેરના રૂવાપરી માતાજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમના ધર્મપત્ની સાથે પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેમની પાઘડી ઉપર આવીને એક ચકલી બેસી ગઈ. આ જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને આ ઘટનાને ઇતિહાસ સાથે જોડવામાં આવી હતી.
ઇતિહાસની ઘટના એવી છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા ત્યારે પહેલા જ તેમના ભાલા પર એક ચકલી આવીને બેસી જતી હતી. કૃષ્ણકુમારસિંહજી મા ખોડિયાર અને મા રૂવાપરીને ખૂબ માનતા હતા અને આજ કારણે તે ચકલીના રૂપમાં માતાજી સાક્ષાત રૂપે હાજરી આપતા હોવાની તેમની શ્રદ્ધા હતી.
મહારાજા પોતાના દરેક શુભકાર્યની શરૂઆત ત્યારે જ કરતા હતા જ્યારે તેમના ભાલા ઉપર ચકલી આવીને બેસતી હતી. ત્યારે હવે યુવરાજ જયવિરરાજસિંહ રૂપાવરી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં બેઠા હતા એજ સમયે તેમના ભાલ ઉપર ચકલી આવીને બેસતાં જ લોકો મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથેની ઘટના સાથે આ ઘટનાને સરખાવી રહ્યા છે અને ઇતિહાસનું પુનરાવર્તન થવાનું પણ માની રહ્યા છે.