અજબ ગજબ: ફળની છાલમાંથી બનાવ્યો ઘાવ પર લગાવવાનો પાટો…

આપણને કંઈ પણ વાગે ત્યારે આપણે દવાખાને જઈએ છીએ અથવા શરીર પર પાટાપીંડી કરવી જરૂરી બને છે. આ કિસ્સામાં સામાન્ય રીતે મેડીકલ પાટા, હેન્ડિપ્લાસ્ટ્સ, બેન્ડેજ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે એન્ટીબેક્ટેરિયલ દવાઓનો ઉપયોગ પાટા સાથે થાય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ફળની છાલમાંથી આવી એક પટ્ટી તૈયાર કરી છે, જે એન્ટીબેક્ટેરિયલ પાટા જેવી જ છે. સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકામી છાલમાંથી એન્ટીબેક્ટેરિયલ પાટો બનાવ્યો છે. ફળની છાલમાંથી બનાવેલ પાટો અસરકારક તેમજ સુરક્ષિત છે.

વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે સોયાબીન અને નકામા અનાજમાંથી પણ આવી પટ્ટીઓ બનાવી શકાય છે. સિંગાપોર સ્થિત NTU ના સંશોધકોએ ડ્યુરિયન ફળની છાલમાંથી સેલ્યુલોઝ પાવડર કાઢ્યો અને પછી તેને એન્ટીબેક્ટેરિયલ સ્ટ્રીપ્સમાં રૂપાંતરિત કર્યો. આ કરવા માટે, વૈજ્ઞાનીકોએ પહેલા તેની છાલ સૂકવી અને પછી તેને ગ્લિસરોલમાં મિશ્રિત કરી. હવે આ મિશ્રણમાંથી સોફ્ટ હાઇડ્રોજેલ તૈયાર કરવામાં આવ્યું હતું અને પછી તેને કાપીને એન્ટીબેક્ટેરિયલ પાટો તૈયાર કરવામાં આવ્યો હતો.



NTU માં ફૂડ એન્ડ સાયન્સ પ્રોગ્રામના ડિરેક્ટર પ્રોફેસર વિલિયમ ચેને ડોઇશ વેલેને કહ્યું, “સિંગાપોરમાં લોકો દર વર્ષે લગભગ 12 મિલિયન ડ્યુરિયન ખાય છે. આ ફળ ખાધા પછી તેની છાલ અને બીજ ફેંકી દે છે. કારણ કે તે કોઈ કામમાં આવતા નથી. ઉપરાંત તેઓ પર્યાવરણને નુકસાન પણ પહોંચાડે છે. આવી સ્થિતિમાં, આ છાલમાંથી એન્ટીબેક્ટેરિયલ પાટો તૈયાર કરવો વધુ સારું છે. અડધાથી વધુ ભાગ આ ફળમાં છાલનો હોય છે. ફળનો અંદરનો ભાગ ખાધા પછી છાલ ફેંકી દેવામાં આવે છે અને તે ભીનો કચરો બની જાય છે. તેઓ પર્યાવરણ માટે જોખમી છે.

પ્રોફેસર વિલિયમની ટીમે આ છાલનો સરસ ઉપયોગ કર્યો છે. ચેન કહે છે કે તેમણે શોધેલી ટેક્નોલોજીથી સોયાબીન અને અનાજ જેવી અન્ય ખાદ્ય ચીજોને પણ હાઇડ્રોજેલમાં રૂપાંતરિત કરી શકે છે. હાઇડ્રોજેલ્સ તૈયાર કરીને વૈજ્ઞાનિકોએ જે પાટો તૈયાર કર્યો છે તે ઇજાઓ અને ઘા પર સામાન્ય પાટા કરતાં વધુ અસરકારક છે. આ પાટો ઘાને ભેજવાળો અને ઠંડો રાખે છે અને ઘાને ઝડપથી રૂઝાવે છે.