આજે દેશના અનેક શહેરોમા વરસાદી માહોલ છે. આવા વાતાવરણમાં ભૂખ વધારે લાગતી હોય છે. ત્યારે શું ખાવું એ વિચારી રહ્યા હોવ તો અમે લાવ્યા છીએ તમારા માટે ખાસ દાળવડાની રેસીપી. વાંચો બનાવો અને હમણાં જ ખાઓ..
આજે અમે તમારા માટે ઘરે બેઠા જ એકદમ સહેલાઈથી અને બજાર જેવા ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા બનાવવાની બેસ્ટ રેસિપી લઈને આવ્યા છીએ. જો તમે, અમે સૂચવ્યા પ્રમાણે આ એકવાર દાળવડા બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને તમારા દાળવડા પણ પરફેક્ટ બનશે.
ચાલો પહેલા સામગ્રી તૈયાર કરી લઈએ. દાળવડાં બનાવવા માટે…
1 કપ મગની દાળ, 2 ચમચી ચોખા, 2 ચમચી અડદની દાળ, 1/2 કપ ફોતરાવાળી મગની દાળ, 8 વાટેલાં લીલાં મરચાં, 1 કપ કોથમીર, 1 ઈંચ આદુ અને 8, લસણની કળીની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, 1/4 ચમચી ખાવાનો સોડા
બનાવવાની રીત
સૌથી પહેલાં દાળ અને ચોખાને ધોઈને સાફ કરો અને 5 કલાક પલાળી રાખો. પછી મિક્સરમાં પીસી લો. યાદ રહે કે દાળ પાણી નાખ્યા વિના જ વાટવી. જરૂર લાગે તો જ 1-2 ચમચી પાણી નાખવું. પછી આ મિશ્રણને ઢાંકીને વધુ 3-4 કલાક માટે મૂકી રાખો. જેથી તમારા દાળવડા અંદરથી પોચા અને સરસ બનશે.
ત્યારબાદ મિશ્રણમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ, મીઠું, સમારેલી કોથમીર નાખી બધું જ એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે મિક્સ કરી લો. પછી ગેસ પર તેલ ગરમ મૂકો. મીડિયમ આંચ પર ગેસ રાખવો. પછી છેલ્લે ખાવાના સોડા અને તેની પર 1 ચમચી તેલ નાખી બરાબર હલાવો.
ત્યારબાદ એક એક કરીને દાળવડા તેલમાં નાખો અને મીડિયમ આંચ પર સરસ રીતે તળી લો. વડા પીળા થાય ત્યાં સુધી તળો. છેલ્લે તળેલાં મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા પીરસો.