ગુજરાતના રાજકોટમાં 117 વીઘામાં રામાયણની થીમ પર બન્યું પહેલું “રામ વન”, જુઓ ભગવાન રામના વનવાસની ઘટનાઓની પ્રથમ ઝલક

રામ વન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટના અર્બન ફોરેસ્ટમાં 47 એકર એટલે કે 117 વીઘા વિસ્તારમાં આકાર લઈ રહ્યું છે. આજીડેમ પાસે કિશાન ગૌશાળાની સામે બની રહેલા રામ વનનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. રામ વનની વિશેષતા એ છે કે ભગવાન રામના 14 વર્ષના વનવાસની ઘટનાઓને આબેહૂબ રીતે દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ભગવાન રામના જીવન ઈતિહાસ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓની ઝાંખી પણ જોવા મળશે.

આગામી જન્માષ્ટમી સુધીમાં રામ વન ખોલવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં, રામ વનનું બાકીનું 2 ટકા નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે અમે તમને સૌપ્રથમવાર રામ વનની ઝાંખી કરાવી રહ્યા છીએ.

રામ વનના પ્રવેશ દ્વારથી અંતિમ દ્વાર સુધીની સફરસૌ પ્રથમ રામ એક પ્રવેશદ્વાર એટલે કે મુખ્ય પ્રવેશદ્વાર ભગવાન રામના ધનુષ્યના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. થોડે આગળ તમે ભગવાન રામની વિશાળ મૂર્તિ જોઈ શકો છો. ત્યારબાદ થોડે આગળ જટાયુ ચોક ખાતે જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. તેના પર જટાયુ બેઠેલો દેખાય છે. તે ઉપરાંત બાળકોને રમવા માટે હીંચકા, લપસીયા અને નાનું મેદાન બનાવવામાં આવ્યું છે.

ઋષિમુનિઓએ જંગલમાં કરેલી યોગ મુદ્રાઓનાં શિલ્પો પણ અહીં મૂકવામાં આવ્યાં છે. ભગવાન રામના રાજ્યાભિષેક સમયનું એક શિલ્પ મૂકવામાં આવ્યું છે. તેની પેલે પાર એક નાનું તળાવ છે અને તેની પાછળ એક મોટું તળાવ છે, જેમાં રામ અને શબરીનો મિલન જોવા મળે છે.. તેની બાજુમાં થિયેટર બનાવવામાં આવ્યું છે.


રામ વનમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે

જો તમે થિયેટરની આગળ જુઓ તો તમને ભગવાન રામ અને સુગ્રીવ સેનાનું શિલ્પ અને તેનાથી આગળ હનુમાનજી ઔષધિઓને બદલે આખો પર્વત લઈ જતા જોવા મળે છે. બાદમાં હરણને નિહાળતા ભગવાન રામ અને સીતાનું શિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં એક ખાસ તળાવ પર રામ સેતુ પણ બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત, ભગવાન રામ-લક્ષ્મણ અને માતા સીતાના વનવાસના સમયને દર્શાવતું એક શિલ્પ છે.


રામ વનમાં ચાલી પણ શકાશે અને ઇલેક્ટ્રિક કાર પણ મળશે

રાજકોટ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટના લોકોને સારામાં સારી વ્યવસ્થા મળે તે માટેના મનપાના પ્રયાસો રહ્યા છે. રાજકોટમાં એક નવું નજરાણું એટલે કે રામ વન. ખાસ કરીને ટૂરિસ્ટો અને રાજકોટવાસીઓ માટે રામ વનમાં ચાલી પણ શકે અને ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગોના દર્શન કરી શકે તે પ્રકારનું આખુ આયોજન છે.

રામાયણ શું છે અને તેનું આપણા જીવનમાં શું મહત્વ છે તેવું આખું રામ વનમાં બતાવવામાં આવ્યું છે. એક ઓફિસ અને મિટિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં રાજકોટ મનપા દ્વારા કોઇ મિટિંગ કે પ્રેસ કોન્ફરન્સ કરવાની થાય તો તે પણ ત્યાં થઇ શકશે. સૌરાષ્ટ્રમાં એક પ્રકારે શોભે એ રીતે રામ વન રાજકોટનું આભૂષણ બનશે.