સુપરસ્ટારના અંતિમ દર્શન માટે 30 લાખ ચાહકો ઉમટ્યા હતા:કર્ણાટકમાં 2 દિવસ દારૂ વેચાયો નહોતો, પુનીત રાજકુમાર 26 અનાથાશ્રમ ને 46 ફ્રી સ્કૂલ ચલાવતો હતો

જો કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર આજે જીવતો હોત તો પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરતો હોત. 29 ઓક્ટોબર, 2021ના રોજ પુનીત રાજકુમારનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. એક્ટરના અવસાનના સમાચાર સામે આવ્યા બાદ સરકારે આખા બેંગલુરુમાં કલમ 144 તથા દારૂનું વેચાણ બે દિવસ સુધી બંધ કરી દીધું હતું. ચાહકો મોટી સંખ્યામાં બેંગલુરુમાં આવ્યા હતા. પુનીતના અંતિમ દર્શન માટે લાંબી લાઇન લાગી હતી. 10 ચાહકોના મોત થયા હતા, જેમાંથી કોઈએ સુસાઇડ કર્યું હતું તો કોઈને હાર્ટ અટેક આવ્યો હતો.

કન્નડ સિનેમામાં પુનીત રાજકુમારનો જબરજસ્ત ક્રેઝ હતો. પુનીત કન્નડ સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. પુનીતની 14 ફિલ્મ 100 દિવસ સુધી થિયેટરમાં ચાલી હતી. પુનીત રિયલ લાઇફમાં ઘણો જ ઉદાર હતો. તે 26 અનાથાશ્રમ તથા ગરીબ બાળકો માટે 46 ફ્રી સ્કૂલ ચલાવતો હતો. પુનીતે પોતાની આંખો દાન કરી હતી.

મોત બાદ આજે એટલે કે 17 માર્ચના રોજ પુનીત રાજકુમારનો બીજો જન્મદિવસ છે. પુનીતની બર્થ એનિવર્સરી પર એક્ટરની કેટલીક અજાણી વાતો જાણીએ…

છ મહિનાની ઉંમરમાં બિગ સ્ક્રીન પર જોવા મળ્યો

પુનીત રાજકુમારનો જન્મ 17 માર્ચ, 1975ના રોજ સુપરસ્ટાર ડૉ. રાજકુમાર તથા પ્રોડ્યુસર પર્વતમ્મા રાજકુમારના ઘરે થયો હતો. પાંચ ભાઈ-બહેનમાં પુનીત સૌથી નાનો હતો. છ મહિનાની ઉંમરમાં તે ફિલ્મ ‘પ્રેમદા કનિકે’માં જોવા મળ્યો હતો. પુનીત પોતાની બહેન પૂર્ણિમા સાથે ફિલ્મના સેટ પર જતો હતો. તેને ફિલ્મમાં કામ કરવું ગમતું અને તેથી જ તેણે નાનપણમાં જ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. જોકે, તેણે હોમ ટ્યૂટરની મદદથી અભ્યાસ પૂરો કર્યો હતો. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કર્યું હતું. અનેક ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.

10 વર્ષની ઉંમરમાં પહેલો નેશનલ અવૉર્ડ

પુનીત રાજકુમાર 10 વર્ષનો હતો ત્યારે તેને પહેલો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ અવૉર્ડ ફિલ્મ ‘Bettada Hoovu’ માટે મળ્યો હતો. આ ફિલ્મમાં તે ચાઇલ્ડ આર્ટિસ્ટ હતો. ફિલ્મને બેસ્ટ કન્નડ ફિલ્મનો નેશનલ અવૉર્ડ, ત્રણ ફિલ્મફેર અવોર્ડ સાુથ તથા બે કર્ણાટક સ્ટેટ ફિલ્મ અવૉર્ડ મળ્યા હતા.

સિંગર ને ટીવી પ્રેઝેન્ટર પણ હતો

પુનીત માત્ર એક્ટર નહોતો, પરંતુ સિંગર ને ટીવી પ્રેઝેન્ટર પણ હતો. ફિલ્મ ‘આકસ્મિક’માં તેણે કોસ્ચ્યુમ ડિઝાઇન પણ કર્યા હતા. પુનીતને સ્ટેડીકેમ અંગેની પણ માહિતી હતી. સ્ટેડીકેમનો ઉપયોગ ફિલ્મમાં સ્ટંટ ને કારનો પીછો કરવા જેવા સીનમાં થાય છે. પુનીતે બે ટીવી શો પણ પ્રોડ્યૂસ કર્યા હતા.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ આગળ

પુનીત એફસ્ક્વાયર, માલાબાર ગોલ્ડ, મનપ્પુરમનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ સાથે તે કર્ણાટક રાજ્ય મિલ્ક ફેડરેશન ‘નંદિની’નો પણ બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ માટે પુનીત કોઈ જાતની ફી લેતો નહોતો. 2008 તથા 2009માં તે IPLની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો બ્રાન્ડ એમ્બેસેડર હતો.

પુનીતના પિતાનું વીરપ્પને અપહરણ કર્યું હતું

વર્ષ 2000માં ચંદન ચોર વીરપ્પને પુનીતના પિતા રાજકુમારનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ આખા રાજ્યમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. રાજકુમારને છોડાવવા માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. અંદાજે 108 દિવસ પછી વીરપ્પન ને સરકાર વચ્ચે ડીલ થઈ હતી અને પછી રાજકુમારને છોડવામાં આવ્યા હતા. રાજકુમારને કન્નડ સિનેમાના આઇકોન માનવામાં આવે છે. દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મેળવનાર તેઓ પહેલા કન્નડ સ્ટાર હતા. પુનીતે પિતાની જેમ 1994માં જ આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. 2006માં હાર્ટ અટેકને કારણે રાજકુમારનું અવસાન થયું હતું.

14 ફિલ્મ 100 દિવસ સુધી થિયેટરમાં ચાલી

કન્નડ સિનેમામાં એક માત્ર પુનીતની 14 ફિલ્મ અંદાજે 100 દિવસ સુધી થિયેટરમાં ચાલી હતી. કન્નડ સિનેમાનો હાઇએસ્ટ ફી લેનાર એક્ટર હતો. એક ફિલ્મના 2-3 કરોડ રૂપિયા લેતો હતો. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફી 1 કરોડ હતી.