શ્રાદ્ધમાં પિતૃઓ માટે પિંડ દાન અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો ગયામાં પિંડ દાન કરે છે. બિહારના ફાલ્ગુ કિનારે આવેલા ગયામાં પિંડ દાનનું ખૂબ મહત્ત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, પિંડ દાન એ મોક્ષ મેળવવા માટેનો એક સરળ રસ્તો છે. જો કે આમ તો પિંડ દાન દેશના ઘણા સ્થળોએ કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે રાજા દશરથની આત્માની શાંતિ માટે ભગવાન રામે ગયામાં પિંડ દાન કર્યું હતું.
અગાઉ ગયામાં વિવિધ નામોની 360 વેદીઓ હતી. જ્યાં પિંડ દાન કરવામાં આવતું હતું. આમાંથી, હવે માત્ર 48 જ બચી છે. આ વેદીઓ પર લોકો પૂર્વજોને તર્પણ અને પિંડ દાન કરે કરાવે છે. દર વર્ષે લાખો લોકો દેશવિદેશથી પિંડ દાન માટે ગયામાં આવે છે. વાયુપુરાણ, ગરુડ પુરાણ અને મહાભારત જેવા અનેક ગ્રંથોમાં ગયાના મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહીંની વેદીઓમાં વિષ્ણુપદ મંદિર, ફાલ્ગુ નદીના કિનારે અને અક્ષયવટ ઉપર પિંડદાન કરવું સારું માનવામાં આવે છે. આ સિવાય વૈતરણી, પ્રેતશિલા, સીતાકુંડ, નાગકુંડ, પાંડુશિલા, રામશિલા, મંગળાગૌરી, કાગબલિ વગેરે વેદીઓ પણ પિંડદાન માટે પ્રમુખ છે. આ વેદીઓમાં પ્રેતશિલા પણ મુખ્ય છે. હિંદુ સંસ્કારોમાં પંચતીર્થ વેદીમાં પ્રેતશિલાની ગણના કરવામાં આવે છે.
ગયામાં શ્રાદ્ધનું પૌરાણિક મહત્વ
પૌરાણિક માન્યતાઓ અને દંતકથાઓ અનુસાર, ભસ્માસુરના વંશમાં ગયાસુર નામના રાક્ષસે ઘોર તપસ્યા કરી હતી અને બ્રહ્મા પાસેથી વરદાન માંગ્યું હતું કે તેનું શરીર દેવો જેવું શુદ્ધ થાય અને પાપોથી મુક્ત થાય. આ વરદાન મળ્યા પછી સ્વર્ગની વસ્તી વધવા લાગી અને બધુ કુદરતી કાયદાની વિરુદ્ધ થવા લાગ્યું. લોકો ભય વગર પાપ કરવા લાગ્યા અને ગયાસુરની દૃષ્ટિએ પાપોથી મુક્તિ મળવા લાગી.
તેથી બચવા માટે દેવોએ ગયાસુરને યજ્ઞ માટે પવિત્ર સ્થળની માંગણી કરવાનું કહ્યું. ગયાસુરે દેવોના બલિદાન માટે પોતાનું શરીર આપ્યું. જ્યારે ગયાસુર સૂઈ ગયો, ત્યારે તેનું શરીર પાંચ કોસમાં ફેલાઈ ગયું. ત્યારથી આ સ્થળ ગયા તરીકે ઓળખાય છે. આ જ કારણ છે કે આજે પણ લોકો તેમના પિતૃઓના પિંડ દાન માટે ગયામાં શ્રાદ્ધ કરાવે છે.