પાવાગઢ અને ગિરનાર બાદ હવે સુપ્રસિદ્ધ યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે

રાજ્યના વધુ એક પર્યટન સ્થળ ચોટીલાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કેસમાં ચાલી રહેલા કોર્ટ કેસના નિકાલ બાદ સરકારે કામ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ચામુંડા માતાજીના નિવાસ સ્થાન છોટેલા ખાતે ખાનગી કંપની દ્વારા રોપ-વેની સુવિધા બનાવવામાં આવશે.

ચોટીલામાં રોપ-વેને સુવિધા માટે ઘણા સમયથી કવાયત ચાલી રહી હતી. એપ્રિલ 2021માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા ખાતે રોપ-વે સુવિધાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. પરંતુ કોર્ટ કેસના કારણે મંજૂરીમાં વિલંબ થયો હતો. આખરે સરકારે તેની મંજૂરી આપી દીધી છે. આ રોપ-વેની સુવિધા ખાનગી કંપની દ્વારા કરવામાં આવનાર હોવાથી ઉર્જા વિભાગની ટેકનિકલ કમિટી દ્વારા ચર્ચા અને અભ્યાસ કર્યા બાદ આખરી મંજુરી આપવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં કામ શરૂ થઈ શકે છે. આ સુવિધા લગભગ 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.

ચોટીલા ડૂંગર પર 655 જેટલા પગથિયા છે. જેથી વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ યાત્રાળુઓને મુશ્કેલી પડતી હતી. રોપવેની સુવિધાને કારણે તમામ યાત્રાળુઓને માતાજીના દર્શનમાં સરળતા રહેશે.

ચોટીલામાં રોપ-વે શરૂ કરવાથી ચોટીલા આવતા વૃદ્ધ, બાળકો સહિતના યાત્રિકોને રોપ-વે દ્વારા ચોટીલા પર્વતની ટોચે ચામુંડા માતાજીના દર્શને પહોચવામાં સરળતા થશે. એટલું જ નહિ, ભક્તોનો સમય અને શ્રમ પણ બચશે. આ રોપ-વે સેવા શરૂ થવાથી ચોટીલા યાત્રાધામની તળેટી સહિતના આસપાસના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં યાત્રિકો-પર્યટકો આવતા થશે અને સ્થાનિક કક્ષાએ રોજગારી તેમજ આર્થિક ગતિવિધિને પણ નવું બળ મળશે.