કેનેડાથી આવ્યા દુઃખદ સમાચાર, સેલ્ફી- ફોટોશૂટ માટે ગયેલા બે ભાઈઓમાંથી દરિયામાં ડૂબી જવાથી એકનું મોત…

અત્યારે સેલ્ફી નો જમાનો ચાલી રહ્યો છે. સેલ્ફી લેવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે પછી એ ખતરનાક જગ્યા હોવા છતાં લોકો કંઈ વિચારતા નથી અને સેલ્ફી લેવા માટે પડાપડી કરતા જોવા મળે છે. ઊંચા વિસ્તારોથી લઇને નદીઓ સુધી તો જંગલી પ્રાણીઓ થી લઈને ઊંચા ઢોળાવો સુધી લોકો સેલ્ફી લેવા માટે પહોંચી જતા હોય છે. જો કે આ સેલ્ફી તેમના માટે ક્યારેક જીવલેણ પણ સાબિત થતી હોય છે. આવી જ કંઈક ઘટના કેનેડામાં બની છે. જ્યાં સેલ્ફી લેવા ગયેલા બે ભાઈઓ નું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર મૂળે મહેસાણા ના રહેવાસી હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ બંને ભાઈઓ કેનેડામાં રહે છે અને ત્યાં રહીને અભ્યાસ કરે છે. બન્ને ભાઈઓ સેલ્ફી અને ફોટોશૂટ માટે કેનેડાના પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે દરિયામાં ગયા હતા જ્યાં એક ભાઈ નો પગ લપસતા બીજો તેને બચાવવા દરિયામાં કૂદી પડ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ બંને ભાઈઓ છે તેમાં જરીન મોટો ભાઈ છે જ્યારે હર્ષિલ નાનો ભાઈ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કેનેડામાં રહે છે અને અભ્યાસ કરે છે.

મૂળ મહેસાણાના આ બન્ને ભાઈઓ પોગીઝ કોવ ખાતે દરિયા કિનારે સેલ્ફી લેવા અને ફોટોશૂટ માટે ગયા હતા જ્યાં આ દરિયા કિનારો ખડક વાળો વિસ્તાર છે. જ્યાં હર્ષિલનો પગ લપસી જતાં તે દરિયામાં પડ્યો હતો પાછળ તેનો મોટો ભાઈ ઝરીન પણ તેને બચાવવા માટે કૂદી પડ્યો હતો. જો કે જરીન હર્ષિલ ને બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

રેસ્ક્યુ ટીમ દ્વારા બન્ને ભાઈઓની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં ભારે જહેમત બાદ ઝરીન દરિયા કિનારેથી મળી આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે માતા પિતાને આ વાતની જાણ થતા તેમના પર આભ તુટી પડયો હતો અને તરત બંને કેનેડા જવા માટે રવાના થઇ ગયા હતા.