બહેનનું નિધન થતા ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલ આઇપીએલને અદ્ધવચ્ચે છોડી ઘરે આવ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હર્ષલના પરિવારના એક સભ્યનું અવસાન થયું છે. આ કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગનો બાયો-બબલ છોડીને ઘરે ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ બાદ તેને તેની બહેનના મૃત્યુના સમાચાર મળ્યા. આ કારણે, તેણે બાયો-બબલ છોડી દીધું.

હર્ષલ છેલ્લી બે સિઝનથી આરસીબી માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમની સાત વિકેટની જીતમાં બે વિકેટ ઝડપી હતી. આઈપીએલના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, હર્ષલે તેની બહેનના નિધનને કારણે બાયો-બબલ છોડવું પડ્યું હતું. તેણે પૂણેથી મુંબઈ જતી ટીમ બસ લીધી ન હતી. ,



“તે 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આગામી મેચ પહેલા બબલ સાથે જોડાશે,” તેણે કહ્યું.

નોંધનીય છે કે હર્ષલનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે IPLની 67 મેચમાં 84 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. હર્ષલે 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે 11 વિકેટ પોતાના નામે કરી છે.



હર્ષલની ટીમના પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ સારું રહ્યું છે. આઈપીએલ 2022માં બેંગ્લોરે અત્યાર સુધી ચાર મેચ રમી છે અને ત્રણ મેચ જીતી છે. RCBએ છેલ્લી મેચમાં મુંબઈને 7 વિકેટે હરાવ્યું હતું. જ્યારે અગાઉ રાજસ્થાન રોયલ્સનો 4 વિકેટે પરાજય થયો હતો. ટીમ તેની પ્રથમ મેચ 5 વિકેટે હારી ગઈ હતી.