IPL 2022ના પ્લે ઓફમાં પહોંચવા માટે દરેક ટીમ મહેનત કરી રહી છે, મેદાનની અંદર રોજ એક ઘમાસાણ યુદ્ધ થતું જોવા મળે છે, હવે જ્યારે આઇપીએલનો રોમાંચ ચરમ સીમાએ પહોંચી ગયો છે ત્યારે હવેની દરેક મેચ ખૂબ જ રોમાંચક અને ખૂબ જ ખાસ બની ગઈ છે. આજની મેચ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે હતી. આ બંને ટીમોએ આઈપીએલમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોઇન્ટ ટેબલમાં પણ આ બંને ટીમો ટોપમાં હતી.
ત્યારે આજની મેચ પણ ખૂબ જ ખાસ હતી. કારણ કે બંને ટીમોમાંથી આજની મેચમાં જે ટીમ જીત મેળવતી તે પ્લે ઓફમાં પોતાની જગ્યા કાયમ કરવાની હતી. ત્યારે આજે પહેલા બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત એટલી સારી નહોતી. ગુજરાતે પહેલા બેટિંગ કરતા 144 રન સ્કોર બોર્ડ ઉપર નોંધાવ્યા હતા. આટલા ઓછા સ્કોર સામે જીત મેળવવા હવે ગુજરાતને સારી બોલિંગની જરૂર હતી અને ગુજરાતના બોલરોએ એ કરી બતાવ્યું. લખનઉની આખી ટીમને માત્ર 82 રનમાં ઓલ આઉટ કરીને સૌને હેરાનીમાં મૂકી દીધા અને 62 રનથી જીત મેળવીને ગુજરાત ટાઈટન્સ પ્લે ઓફમાં પહોંચવા વાળી પહેલી ટીમ બની ગઈ.
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ આઈપીએલમાં 12 મેચ રમી છે, જેમાંથી માત્ર ત્રણ મેચમાં ગુજરાતને હાર મળી છે અને બાકીની 9 મેચમાં જીત મેળવી અને 18 પોઇન્ટ્સ સાથે પ્લે ઓફમાં પહોંચવાની દાવેદારી નોંધાવી દીધી છે. ગુજરાત તેની છેલ્લી બે મેચ હારી ગયું હતું, પરંતુ લખનઉ સામેની મેચમાં ગુજરાતની ટીમ બમણા ઉત્સાહ સાથે ઉતરી અને એક મોટી જીત મેળવી પ્લે ઓફમાં પહોંચી ગયું છે.
તો લખનઉની ટીમ માટે પણ પ્લે ઓફમાં પહોંચવાનો દરવાજો હજુ ખુલ્લો છે, લખનઉની ટીમે હજુ બીજી ત્રણ મેચ રમવાની છે જેમાંથી માત્ર એક મેચ જીતવા ઉપર તે પ્લે ઓફમાં પહોંચી શકે છે. આ ઉપરાંત બેંગલુરુ, દિલ્હી, પંજાબ, હૈદરાબાદ, ચેન્નાઇ અને કોલકત્તા પણ પ્લે ઓફની રેસમાં છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.
નજર કરીએ પોઇન્ટ ટેબલ ઉપર તો ગુજરાતની ટીમ 18 પોઇન્ટ સાથે ટોપ ઉપર છે, જ્યારે 16 પોઇન્ટ સાથે લખનઉ બીજા સ્થાને, જ્યારે ત્રીજા સ્થાને 14 પોઇન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ છે અને 14 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંકે રોયલ ચેલેન્જર બેંગલુરુ છે. 10-10 પોઇન્ટ સાથે હૈદરાબાદ છઠ્ઠા, કોલકત્તા સાતમા અને પંજાબ આઠમા સ્થાને છે, જ્યારે ચેન્નાઇ 8 પોઇન્ટ સાથે નવમા સ્થાને છે.
ગુજરાત ટાઈટન્સ લખનઉની ટીમ ધૂળ ચાટતા કરી દીધી, 82 રનમાં વાળી દીધું પડીકું
