હવામાન વિભાગ દ્વારા ફરી કરાઈ આગાહી, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના…

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી હતી. હવે ફરી 20મી સપ્ટેમ્બર બાદ સુરત, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

એટલું જ નહીં આજથી ત્રણ દિવસ હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. ગુરુવારે નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. આખા દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હવે ફરીથી ૨૦મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુરુવારે ફક્ત સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. છેલ્લા પંદર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અવિરત વરસાદ પડતાં તળાવ, નદી, ડેમ ભરાઇ ગયા છે. પાકને પણ પૂરતું પાણી મળી જતાં ડાંગર, શેરડીના પાકને નવજીવન મળી ગયું છે. લાંબા સમય બાદ વરસાદે વિરામ લીધો હતો.

ખાસ કરીને વલસાડમાં ગુરુવારે આખા દિવસમાં માત્ર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદે વિરામે લીધો હતો. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ, ઉમરપાડામાં અડધો ઈંચ અને સુરત શહેરમાં ૮ મી.મી. વરસાદ પડયો હતો.

હવે આગામી 19મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી અતિ હળવા વરસાદની આગાહી છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી ગઇ છે. ચાલુ વર્ષમાં ડેમ 341.39 ફૂટની સપાટીને અડી જતાં તંત્રે ડેમની 340 ફૂટની જાળવી રાખવા આવક સામે જાવક વધારી દીધી હતી.

બે દિવસ સુધી 98 હજાર ક્યુસેક પાણી છોડી સપાટી દોઢ ફૂટ નીચે લઇ જવામાં આવી હતી. ગુરુવારે સાંજે ડેમમાં પાણીની સપાટી 340.01 ફૂટ જ્યારે પાણીની આવક અને જાવક 22744 ક્યુસેક નોંધાઇ હતી. જો કે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે ઉકાઇ ડેમમાં 341 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે. તેનાથી વધુ પાણી નહીં ભરવા પર નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે ડેમમાં એક ફૂટ સુધી પાણીનો સંગ્રહ થાય તેની સંભાવના છે. ત્યારબાદ ડેમમાં આવતું પાણી છોડી મુકાશે એવી સંભાવના છે.