ગ્રાહકે ફૂડ ડિલિવરી કંપનીને કહ્યું- મુસ્લિમ ડિલિવરી બોયને ન મોકલો, લોકોએ કહ્યું- ભૂખનો કોઈ ધર્મ હોતો નથી

ખાવાનો કોઈ ધર્મ હોતો નથી. ભૂખ ન તો ધર્મ જુએ છે ન જાતિ. પરંતુ, કેટલાક લોકો એવા હોય છે જે દરેક બાબતમાં ધર્મનો સમાવેશ કરે છે. આવો જ એક કિસ્સો તેલંગાણામાંથી સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકે રેસ્ટોરન્ટને કડક સૂચના આપી હતી કે તેનું ભોજન કોઈપણ મુસ્લિમ ડિલિવરી બોયને ન મોકલવામાં આવે. આ ચેટનો સ્ક્રીન શોટ વાયરલ થયા બાદ હવે લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.તેલંગાણા સ્ટેટ ટેક્સી ડ્રાઈવર્સના પ્રેસિડેન્ટ શેખ સલાઉદ્દીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ગ્રાહકની માંગનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે. તેમણે ફૂડ ડિલિવરી કંપની સ્વિગીને વિનંતી કરી છે કે તેઓ આવી વિનંતીઓ સામે સ્ટેન્ડ લે.

ફોટો શેર કરતા શેખ સલાઉદ્દીને લખ્યું:“Swiggy કૃપા કરીને આ પ્રકારની ધાર્મિક કટ્ટરતા સામે સ્ટેન્ડ લો. ડિલિવરી બોયનું કામ ફૂડ પહોંચાડવાનું છે. પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે શીખ હોય. ખાવાનો કોઈ ધર્મ હોતો નથી.” તેણે આગળ લખ્યું, “ધર્મ એકબીજા સાથે દુશ્મની રાખવાનું શીખવતો નથી.”તેમના ટ્વીટ બાદ આ પોસ્ટને 3700થી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે એક હજારથી વધુ યુઝર્સે રિટ્વીટ કર્યું છે. ઘણા યુઝર્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું કે, “આવા લોકોનો ઓર્ડર સ્વીકારવો જોઈએ નહીં.” અન્ય યુઝરે આ યુઝરને સ્વિગીથી બ્લોક કરવાની સૂચના આપી છે.