ભાદરવા મહિનાની અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. આ અમાસ 6 ઓક્ટોબરના રોજ છે. આ વખતે 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે કુતુપકાળમાં ગજછાયા શુભ યોગ રહેશે. આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં ફરીથી 7 ઓક્ટોબરના જ આ સંયોગ બનશે.
ખાસ સંજોગ એ પણ છે કે પિતૃપક્ષની અમાસના બુધવાર છે. અને આ દિવસે સૂર્ય-ચંદ્ર બંને બુધની રાશિ એટલે જે કન્યામાં હશે. ગજછાયા યોગનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ છે. તિથિ, નક્ષત્ર અને ગ્રહો મળીને બનતા આ શુભ યોગમાં શ્રાદ્ધ કરવાનું ખાસ મહત્ત્વ છે.
આ શુભ યોગમાં પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાનનું અક્ષય ફળ મળે છે. આ શુભયોગમાં શ્રાદ્ધ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ગજછાયા યોગમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને દાનથી પિતૃઓ આવતા 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે. ગજછાયા યોગ દર વર્ષે બનતો નથી. પરંતુ ગ્રહ-નક્ષત્રની ખાસ સ્થિતિના કારણે કોઈ વર્ષે આ યોગ બેવાર પણ બની જાય છે. આ વર્ષે કંઇક આવી જ સ્થિતિ બની રહી છે.

આ શુભ યોગ મોટાભાગે પિતૃપક્ષ દરમિયાન જ બને છે. તેને શ્રાદ્ધ અને દાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સૂર્ય વર્ષમાં એકવાર હસ્ત નક્ષત્રમાં આવે છે અને આવું મોટાભાગે શ્રાદ્ધ દરમિયાન બને છે. ગજછાયા યોગ માટે સૂર્યનું હસ્ત નક્ષત્રમાં હોવું જરૂરી છે. ગજછાયા યોગ બે પ્રકારે બને છે. એક તો જ્યારે શ્રાદ્ધની તેરમી તિથિ એટલે તેરસ દરમિયાન સૂર્ય હસ્ત નક્ષત્રમાં હોય છે અને ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે ત્યારે તેને ગજછાયા યોગ કહેવામાં આવે છે. બીજુ શ્રાદ્ધની અમાસ તિથિએ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને હસ્ત નક્ષત્રમાં હોય છે.