અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કાર ચાલકે કચડ્યાં, કાળજું કંપાવતી તસવીરો આવી સામે

કાલોલનો સંઘ ભાદરવી પૂનમે અંબાજી દર્શને નીકળ્યો હતો. રસ્તામાં થોડીવાર માટે થાક ખાવા કેટલાક પદયાત્રીઓ રોડની સાઈડમાં બેઠા હતા તો કેટલાક અંબાજી જવા આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક એક ઈનોવા કાર પૂરપાટ સ્પીડે આવી અને એક ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ, ત્યાર બાદ થાક ખાવા બેઠેલા પદયાત્રીઓને એક પછી એક કચડ્યા. આ ભયંકર દુર્ઘટનામાં અત્યારે 7નાં મોત થયાં છે તેમજ 9 લોકો ઈજાગ્રસ્ત છે.


સતત 20 કલાકથી કાર ચલાવતો હતો ડ્રાઇવર

પ્રાપ્ત માહિતી અનુસાર, 7 લોકોનો જીવ લેનારી ઈનોવા કારનો ડ્રાઈવર સતત 20 કલાકથી કાર ચાલવી રહ્યો હતો. તે પુણેથી ઉદયપુર જઈ રહ્યો હતો અને ઊંઘ ન મળતાં અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર સીધી ટોલ બૂથના પિલ્લર સાથે અથડાઈ ગઈ. અકસ્માત બાદ ડ્રાઈવરને પણ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તેણે ડોક્ટરને આ વાત કરી હતી. હાલમાં ઈજાગ્રસ્તોને મોડાસા ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.


મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાયની જાહેરાત

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.