કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. માણસ મન, મહેનત અને લગનથી પોતાની કિસ્મતને ગમે ત્યારે બદલી શકે છે. જરૂરી નથી કે લાખો રૂપિયાની કમાણી કરવા માટે ઉચ્ચ અભ્યાસ કરવો જ પડે. પરંતુ જરૂરી એ છે કે વ્યક્તિમાં કઈક અલગ કરવાની લગન કેટલી છે. આવી જ કમાલ કરી દેખાડી છે અમદાવાદના લક્ષ્મીબહેન ગોસ્વામીએ.
તેઓ પહેલાં 23 રૂપિયા પ્રતિદિનના પગારે નોકરી કરતા હતા પરંતુ પોતાની મહેનત અને લગનના કારણે હાલ એક કંપનીના માલિક છે અને કરી રહ્યા છે લાખોની કમાણી. જિંદગીના ચાર દાયકા વટાવી ચૂકેલાં અને બાપુનગર વિસ્તારમાં રહેતાં લક્ષ્મીબહેનના જીવનમાં યુવાન વયથી જ મુશ્કેલીઓ સાથે નાતો રહ્યો છે.
જ્યારે તેઓ 21 વર્ષના હતાં ત્યારે ટીબીને કારણે ડાયમંડ પોલિશીંગ કરતા પતિ દુનિયા છોડીને ચાલ્યા ગયા. લક્ષ્મીબહેન કહે છે, સાસરીમાં સાસુ સસરા હયાત નહોતા, એટલે ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરવાની શરૂઆત કરી. ત્યાં એક રૂમમાં બાળકોને લઇને રહેવા લાગ્યા.
પતિના અવસાન પહેલાં અકસ્માતમાં ભાઇ પણ મૃત્યુ પામ્યો હતો. ભાઇની દીકરીને માતા પિતા એકલે હાથે ઉછેરતાં હતાં. એમના કહેવાથી બાળકોને લઇને લક્ષ્મીબહેન પિયર આવી ગયા. શરૂઆતમાં તેમણે ઘર બેઠા અગરબત્તી બનાવવાનું કામ શરૂ કર્યું. એમાં ઠીકઠીક પૈસા મળતા. એ અરસામાં સગી બહેને પણ જીવ ગુમાવી દીધો. લક્ષ્મીબેને જણાવ્યું કે, તેની દીકરીને સાચવનાર કોઇ ન હોવાથી તેને ઘરે લઇ આવ્યા.

હવે ઘરમાં પાંચ નાના બાળકો, મમ્મી, પપ્પા મળીને આઠ સભ્યોનો પરિવાર હતો. મમ્મી પપ્પા બાળકોને સાચવતાં અને હું નોકરી કરવા જતી. માત્ર 10 ધોરણ સુધી ભણેલી હોવાથી કોઈ સારી નોકરી આપતું નહીં. પણ કમાયા વગર ચાલે તેમ નહોતું. પગાર વધારે મળે ત્યાં નોકરી બદલતી રહેતી. એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યાં મને ખબર પડી કે દવાઓના રિસર્ચ સેન્ટરમાં સ્કિનિંગમાં જઇએ તો 15થી 20 હજાર રૂપિયા મળે છે.

રિસર્ચ કરેલી દવાઓની આડઅસર થાય છે કે કેમ ? એની ચકાસણી મારા ઉપર કરવામાં આવતી. એ વખતે બે-ત્રણ દિવસ ત્યાં રહેવું પડતું. નોકરીની સાથે એ પણ કામ કરવાનું શરૂ કર્યું. રજાના દિવસે સિલાઇ કામ કરવાની શરૂઆત કરી. બે વર્ષમાં સારી એવી ફાવટ આવી ગઈ. પછી પાર્ટનરશીપમાં પીવીસી પાઇપ બનાવવાનો ધંધો શરૂ કર્યો. પણ એ ચાલ્યો નહીં. લક્ષ્મીબહેને જણાવ્યું કે, જ્યાં નોકરી કરતી હતી, એ કંપનીના માલિકે કંપની વેચવા કાઢી હતી. તેથી મેં મારું સોનું ગીરવે મૂક્યું અને થોડી ઘણી બચત મારફત કંપનીના માલિક પાસેથી 2016માં કંપની ખરીદી લીધી.