આ છે દુનિયાનું સૌથી મોંઘુ લાકડું, સોના અને હીરા કરતા પણ વધારે છે કિંમત…

મોટાભાગના લોકો માને છે કે હીરા અને સોનું દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે. પરંતુ જો અમે કહીએ કે હીરા અને સોના કરતાં લાકડું મોંઘું હોય શકે, તો તમે માનશો ? હાં. વિશ્વના દુર્લભ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં વધુ મોંઘી છે. તો ચાલો તમને આ લાકડા વિશે વધુ માહિતી આપીએ. અકીલારિયાના ઝાડમાંથી મળતું અગરવુડ જ એ કિંમતી લાકડું છે, જેને ઈગલવુડ અથવા એલોસવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ લાકડું ચીન, જાપાન, ભારત, અરેબિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળે છે. અગરવુડનું લાકડું દુનિયાનું દુર્લભ લાકડું છે. તે સૌથી મોંઘું વેચાતું લાકડું છે. આ લાકડાની કિંમત હીરા અને સોના કરતાં વધુ છે. હાલ ભારતમાં એક ગ્રામ હીરાની કિંમત 3,25,000 રૂપિયા છે, જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 47,695 રૂપિયા છે. પરંતુ માત્ર 1 ગ્રામ અગરવુડના લાકડાની કિંમત 10,000 ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયા થાય છે.

અગરવુડને જાપાનમાં ક્યાનમ અથવા ક્યારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લાકડામાંથી અત્તર અને પરફ્યુમ બનાવવામાં આવે છે. આ લાકડું સડી ગયા પછી તેનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. એટલું જ નહીં, અગરવૂડના રેઝિનમાંથી ઓડ તેલ પણ કાઢવામાં આવે છે.જણાવી દઈએ કે આ તેલનો ઉપયોગ સેન્ટમાં થાય છે અને આજના સમયમાં આ તેલની કિંમત 25 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. ખૂબ કિંમતી હોવાને કારણે અગરવૂડને ‘વૂડ ઓફ ગોડ્સ’ પણ કહેવામાં આવે છે. મહત્વનું છે કે, હોંગકોંગ, ચીન, જાપાનના વિસ્તારમાં અકીલારિયાના ઘણા વૃક્ષો છે, પરંતુ તેમાંથી મળતું અગરવૂડ એટલું કિંમતી છે કે અહીં મોટા પાયે તેની કાપણી અને દાણચોરી થઈ રહી છે.

આ લાકડાની એટલી બધી દાણચોરી થઈ રહી છે કે અકીલારિયા વૃક્ષની પ્રજાતિ નાબૂદ થઈ રહી છે. એક અહેવાલ અનુસાર, એશિયન પ્લાન્ટેશન કેપિટલ કંપની અકીલારિયા વૃક્ષો સાથે સંબંધિત એશિયાની સૌથી મોટી કંપની છે. તે વૃક્ષોની પ્રજાતિઓને બચાવવાના કામમાં લાગી છે અને હોંગકોંગ સહિત ઘણા દેશોમાં વૃક્ષારોપણનું કામ પણ હાથ ધર્યું છે.