કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના મોત, બે પિતરાઈ બહેનો હતી, જેમા એકનો તો આજે જન્મદિવસ હતો

કેદારનાથથી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુઓ સહિત સાત લોકોનાં મોત નિપજ્યા છે. જે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે તેમાં ત્રણ યુવતીઓ ભાવનગરની સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાયો છે.

ત્રણ મૃતકમાં બે પિતરાઈ બહેનો

કેદારનાથમાં જે દુર્ઘટના બની છે તેમાં ભાવનગર જિલ્લાની ત્રણ યુવતીઓના મોત નિપજ્યા છે. જેમાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ત્રીજી યુવતી સિહોરની રહેવાસી

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જે ત્રણ યુવતીઓના મોત નિપજ્યા છે. તેમાં ઉર્વી બારડ અને કૃતિ બારડ ભાવનગર શહેરના રહેવાસી છે. જ્યારે પૂર્વા રામાનુજ ભાવનગરના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વા રામાનુજના પિતા સિહોર નગરપાલિકાના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તંત્ર દ્વારા યુવતીઓના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી

કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે થયેલી દુર્ધટનાનો ભાવનગર વહીવટીતંત્રને મેસેજ મળતા નાયબ મામલતદાર દ્વારા યુવતીઓના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીના દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી. યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં ઉર્વી, કૃતિ અને પૂર્વાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જન્મદિવસે જ મોત મળ્યું

ભાવનગરના દેસાઈનગર-2માં રહેતા બારડ પરિવારના સભ્યોને પોતાની બે પુત્રીઓના કેદારનાથમાં નિધન થયા હોવાના સમાચાર મળતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. બારડ પરિવારના સંબંધીઓને દુર્ઘટનાની જાણ થતા તેઓ પણ પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. પાડોશમાં રહેતા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, જે બે પિતરાઈ બહેનોના મોત નિપજ્યા છે તેમાં કૃતિ બારડનો તો આજે જ જન્મદિવસ હતો.

રાજ્ય સરકારે ચાર-ચાર લાખની સહાય જાહેર કરી

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીઓના મોત નિપજતા રાજ્ય સરકારે દુઃખ વ્યકત કર્યું છે. મૃતક યુવતીઓના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો

કેદારનાથમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ઉત્તરાખંડના રાહત વિભાગ સાથે વાતચીત કરી છે. મુળ ભાવનગરની બે અને ભાવનગરના સિહોરની એક એમ ત્રણ દીકરીના મોત થવાની ઘટનામાં ત્રણેય દીકરીના મૃતદેહ ગુજરાત કેવી રીતે લાવી શકાય તે અંગે વાતચીત કરી છે. વાતચીત દરમિયાન ઉત્તરાખંડ સરકારે જાણકારી આપી છે કે, સૌ પ્રથમ ત્રણેય દીકરીઓની નજીકની હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કર્યા બાદ રસ્તા માર્ગે કે પછી દહેરાદૂનથી હવાઈ માર્ગે ત્રણેય દીકરીઓના મૃત દેહને ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી ગુજરાત રાહત વિભાગના આધિકારિક સૂત્રો પાસેથી મળી છે.

શહેર ભાજપ પ્રમુખ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની યુવતીઓના મોત નિપજ્યા હોવાની જાણ થતા ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા અન્ય કાર્યકર્તાઓની સાથે મૃતક યુવતીઓના ઘર પર પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા.