આજથી 25 વર્ષ પહેલા આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મના તમામ ગીતો જોરદાર હિટ રહ્યા હતા. તમામ ગીતોએ શ્રોતાઓના દિલોદિમાગમાં જગ્યા બનાવી લીધી હતી. તેમની વચ્ચે એક ગીત ‘પરદેશી પરદેશી’ પણ હતું. આમાં આમિર ખાન અને કરિશ્મા કપૂર સિવાય અભિનેત્રી પ્રતિભા સિંહા પણ જોવા મળી હતી.
પ્રતિભા સિંહાનો જન્મ 4 જુલાઈ, 1969ના રોજ કોલકાતામાં થયો હતો. પ્રતિભા સિંહા એ જૂના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી માલા સિન્હાની પુત્રી છે. પ્રતિભા સિંહાએ 1992માં આવેલી ફિલ્મ મહેબૂબ મેરે મહેબૂબથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
પ્રતિભા સિંહાની બોલિવૂડ કરિયર ખૂબ જ ટૂંકી રહી હતી. તેણે માત્ર 13 ફિલ્મોમાં અભિનય કર્યો. પ્રતિભા સિન્હાનું સંગીત નિર્દેશક નદીમ સૈફી સાથે લાંબા સમયથી અફેર હતું. પ્રતિભા પરિણીત નદીમના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી.
એકવાર પ્રતિભાએ એક ઈન્ટરવ્યુમાં એવું કહીને બધાને ચોંકાવી દીધા હતા કે તે નદીમ સાથે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. જોકે, બાદમાં તેણે પોતે જ આ સમાચારને નકારી કાઢ્યા અને કહ્યું કે તે લગ્ન નથી કરી રહી.

આ દરમિયાન નદીમ પર ગુલશન કુમારની હત્યાનો આરોપ હતો. જે બાદ નદીમ તરત જ ભારત છોડીને ભાગી ગયો હતો. આ પછી પ્રતિભા માટે વધુ મુશ્કેલી ઊભી થઈ હતી. તેણે નદીમ માટે પોતાની કારકિર્દી દાવ પર લગાવી દીધી હતી અને બધાથી દૂર થઈ ગઈ હતી. આ કારણે તેને ઈન્ડસ્ટ્રીમાં કામ મળવાનું બંધ થઈ ગયું.

સાથે જ નદીમે પ્રતિભાને ઓળખવાની પણ ના પાડી દીધી હતી. તે જ સમયે, જો કેટલાક મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, માલા સિંહા નદીમ સાથે તેની પુત્રીના સંબંધની ખૂબ જ વિરુદ્ધ હતી. એવું પણ કહેવાય છે કે પ્રતિભાએ તેની માતાની વાત સાંભળી ન હતી. આ કારણોસર, પરિણામ એ આવ્યું કે આજે બોલિવૂડમાં પ્રતિભાને કોઈ ઓળખતું નથી.
સમાચાર મુજબ, આજે પ્રતિભા તેની માતા માલા સિન્હા સાથે રહે છે. હવે પ્રતિભા તેની માતા માલા સિન્હા સાથે કોઈક ઈવેન્ટમાં જોવા મળે છે, જોકે તે આજે ફિલ્મોમાં સક્રિય નથી. કહેવાય છે કે માતાના સ્ટારડમના કારણે પ્રતિભા સિન્હાને ફિલ્મો મળતી રહી પરંતુ તેમને એટલી સફળતા મળી ન હતી.

પ્રતિભા સિન્હાએ 90 ના દાયકામાં ફિલ્મોમાં પગ મૂક્યો અને તે જ સમય દરમિયાન કરિશ્મા કપૂર, રવિના ટંડન અને પૂજા ભટ્ટ જેવી અન્ય ઘણી હિરોઈનોએ ડેબ્યૂ કર્યું.
નદીમ ભારતમાંથી ભાગી ગયો ત્યારે નદીમ અને પ્રતિભા કોડ વર્ડમાં વાત કરતા હતા. પ્રતિભાનું કોડ નેમ ‘એમ્બેસેડર’ અને નદીમનું ‘એસ’ હતું. જ્યારે આ રહસ્ય મીડિયામાં ખુલ્યું ત્યારે પ્રતિભાએ નદીમ સાથેના સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. પ્રતિભા સિન્હા છેલ્લે 1998માં આવેલી ફિલ્મ ‘મિલિટરી રાજ’માં જોવા મળી હતી.

ત્યારપછી તેના તરફથી કોઈ પણ પ્રકારના સમાચાર આવ્યા નથી. પ્રતિભાએ કલ કી આવાઝ, દિલ હૈ બેતાબ, એક થા રાજા, તુ ચોર મેં સિપાહી, રાજા હિન્દુસ્તાની, ગુડગુડી, દીવાના મસ્તાના, કોઈ કિસીસે કમ નહીં, જંજીર અને મિલિટરી રાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.