અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 50મું અંગદાન પૂર્ણ, 127 વ્યક્તિઓને મળ્યું જીવનદાન…

એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ અમદાવાદની સિવિલમાં આજે 50 મું અંગદાન સફળ રીતે પૂર્ણ થયું છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાન નો મહાયજ્ઞ આદર્યો છે જેના પરિપાકરૂપે આજે 50મું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. ડિસેમ્બર 2020 માં હોસ્પિટલને અંગોના રિટ્રાઈવલની મંજુરી મળી હતી. કોરોનાની કપરી પરિસ્થિતિ હોવા છતાં હોસ્પિટલને આ જવાબદારી આપવામાં આવી હતી. શરૂઆતમાં હોસ્પિટલને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. બ્રેઈનડેડ દર્દીઓના પરિવારજનોને સમજાવવા, તેમને અંગદાન માટે જાગૃત કરવા, તેમને અંગદાન નું મહત્વ સમજાવવું અને અંગદાન માટે રાજી કરવા વગેરે પડકારો હોસ્પિટલ સામે હતા. જો કે હોસ્પિટલ એ બરાબર રીતે પોતાની જવાબદારી નિભાવી હતી અને આજે 50મું સફળ અંગદાન કરીને પોતાની યોગ્યતા પૂરવાર કરી હતી.

એકંદરે આ પ્રક્રિયા અનેક રીતે પડકાર ભરેલી હોય છે. જેમાં આઈસીયુમાં ભરતી દર્દી જ્યારે બ્રેઈન ડેડ માલુમ પડે છે ત્યારે તેના પરિવારને અંગદાન માટે સમજાવવામાં આવે છે. તેમને અંગદાન નું મહત્વ સમજાવી તેના માટે રાજી કરવામાં આવે છે. પરિવાર અંગદાન માટે સહમત થાય તો દર્દીના જરૂરી ટેસ્ટ કરવામાં આવે છે.

પરિવાર સહમત થાય અને બ્રેઈન ડેડ વ્યક્તિના રિપોર્ટ યોગ્ય જણાય તો બ્રેઈન ડેડ બોડીને રીટ્રાઈવલ સેન્ટરમાં લઈ જવામાં આવે છે. જ્યાં કાબેલ સર્જનોની ટીમ દ્વારા અંગોને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલે આ 50 સફળ અંગદાનની જે સિદ્ધિ હાસલ કરી છે તેમાં અમારી ટીમ અને અંગ દાતાઓના પરિવાર નો ફાળો રહ્યો છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલે આદરેલા આ મહાયજ્ઞમાં 15 મહિનાની મહેનત બાદ આજે 50 મું અંગદાન સફળ રીતે પૂરું થયું હતું. આજે 50 મું લીવર સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો આ કિડની ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રાન્સપોર્ટ કરનારી બીજા નંબરની સરકારી સંસ્થા બની ગઈ છે. 50માં અંગ દાનની વિગત જોઈએ તો ત્રીજી એપ્રિલના રોજ ગાંધીનગરના રહેવાસી તેજલ માં ઝાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ બ્રેઈન ડેડ માલૂમ પડતાં તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.